વર્ષ ૨૦૧૧ને પરમ પૂજ્ય ગુરુદેવે જાગૃતિ વર્ષ તરીકે ઘોષિત કર્યું. આ વર્ષ એટલે સાધકો માટે સ્વયંની આધ્યાત્મિક સ્થિતિ તપાસવાનો, આત્મચિંતન કરવાનો સોનેરી અવસર!
છેલ્લાં પાંચ વર્ષથી પૂજ્ય ગુરુદેવ પ્રતિ વર્ષ સમર્પણ આશ્રમ, દાંડીમાં ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન સંપન્ન કરી રહ્યા છે અને આ ૪૫ દિવસ સુધી તેઓ એકાંતમાં ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં રહીને પ્રત્યેક સાધક-સાધિકાઓની સ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે અને સૌની આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરુશક્તિઓ દ્વારા પ્રાપ્ત સંદેશાઓ સમયાંતરે લિખિતરૂપે મોકલે છે.
પ્રત્યેક સાધક સ્વયંના ગુરુ બને, પ્રત્યેક સાધક આધ્યાત્મિક માર્ગ પર ચાલીને આ જ જીવનમાં મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરે, એ જ ઉદ્દેશ્યથી પૂજ્ય ગુરુદેવે લિખિત સંદેશાઓના માધ્યમથી અનેક વિષયો જેમ કે વ્યક્તિના શરીરથી શક્તિ તરફ, સ્થૂળથી સૂક્ષ્મ તરફ, આત્મચિંતન, સામૂહિકતાનું મહત્ત્વ, ચૈતન્યની ગંગા, આત્મચિત્તથી આત્મજાગૃતિ, આત્માથી આત્મીયતા, ગુરુશક્તિધામ અને જીવંત કલ્પવૃક્ષ ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે.
આ પુસ્તિકા ઉપરોક્ત સંદેશાઓનું સંકલન છે અને અમને વિશ્વાસ છે કે પાઠકગણ આ પુસ્તિકાના પઠનથી અવશ્ય લાભાન્વિત થશે.